મુખ્ય સામગ્રી પર જાઓ

કંકાવટી મંડળ - પુરોગામી પુરાવા

મંડળ પહેલું : પાંચમી આવૃત્તિ

આ લોકવ્રતોના કાલનિર્ણયમાં મદદ કરે તેવા પુરાવા નીચે મુજબ હાથ લાગ્યા છે :

અલિંજર નાગની કથા

વિ. સં. 1405માં જૈન સાધુ શ્રી રાજશેખરસૂરિએ રચેલા ‘પ્રબંધકોશ’ અથવા ‘ચતુર્વિશતિપ્રબંધ’ની મુનિશ્રી જિનવિજયજી સંપાદિત આવૃત્તિની બીજી કથા ‘આર્યનંદિલ પ્રબંધ’ છે, તે

‘કંકાવટી’ની ‘નાગપાંચમ’ની કથા સાથે ઘણું સામ્ય ધરાવે છે. મૂળ સંસ્કૃત કથાનો સારાંશ એવો છે કે,

પદ્મિની ખંડપત્તન નામનું નગર છે. ત્યાં પદ્મદત્ત શેઠ રહે છે. તેની ભાર્યા પદ્મયશા છે. તેનો દીકરો પદ્મનાભ. વરદત્ત નામના સાર્થવાહની બેટી વૈરોટ્યા તેની વેરે પરણાવેલી છે. વૈરોટ્યાનો પિતા સપરિવાર વિદેશે જતાં રસ્તે વનદાવાનલમાં બળી મૂઓ. વૈરોટ્યાને સૌ નબાપી કહી મેંણાં દે છે. પણ વૈરોટ્યા સાસુના કટુ બોલે સંતાપ પામતી છતાં કોઈને નિંદતી નથી.

પછી વૈરોટ્યાને ગર્ભ રહે છે. એને ખીરના ભાવા (પાયસ = દોહદ) ઉદ્ભવે છે. તેની સાસુ પદ્મયશાને ચૈત્રી પૂર્ણિમાના ઉપવાસનું પારણું આવે છે, તે દિવસે યતિઓને વહોરાવવા પાયસ (ખીર) રાંધે છે. પણ સાસુ, વહુને તો કળથીનું જ અન્ન આપે છે. વહુ થાળીમાં પાયસ (ખીર) છાનીમાની લઈ જઈ, વસ્ત્રમાં બાંધી, ઘડામાં નાખી, જલાશય પર જાય છે. ઘડો ઝાડને થડે મૂકીને જ્યારે એ હાથપગ ધોવા ગઈ, ત્યારે પાતાળવાસી અલિંજર નામના નાગની સગર્ભા પત્ની, જેને પણ ક્ષીરાન્નના ભાવા થયા છે તે આવીને વૈરોટ્યાના ઘડામાંથી ક્ષીરાન્ન ખાઈને ચાલી જાય છે.

વૈરોટ્યા પાછી આવીને જુએ છે તો ક્ષીરાન્ન મળે નહિ! છતાં એ ક્રોધ કરતી નથી, કુવચન બોલતી નથી, પણ આશિષ આપે છે : ‘યેનેદં ભક્ષિતં ભક્ષ્યં પૂર્યતાં તન્મનોરથ:’ જેણે આ ખાધું હોય તેના મનોરથ પૂરા થજો!

છુપાઈને ઊભેલી અલિંજર-પત્ની નાગણીએ આ શબ્દો સાંભળ્યા, અને પાતાળમાં જઈ પોતાના પતિને આ વાત કહી. વૈરોટ્યા પણ પોતાના ઘેર ગઈ. રાત્રિએ વૈરોટ્યાની પડોશણને સ્વપ્નમાં આવીને નાગપત્નીએ કહ્યું, કે આ વૈરોટ્યા મારી પુત્રી છે. એને ખીરના ભાવા થયા છે, તે તું પૂરા કરજે ને એને કહેજે કે તારે પિયર નથી તેની ખોટ હું પૂરી કરીશ.

આ રીતે પ્રભાતે પાડોશણે વૈરોટ્યાને કહીને ખીર જમાડી. દોહદ સંતોષાતાં વૈરોટ્યાએ દીકરો જણ્યો. નાગપત્નીએ સો દીકરા જણ્યા. વૈરોટ્યાના બેટાનું નામ પાડવાને દિવસે નાગોએ ઉત્સવ કર્યો. વૈરોટ્યાના બાપનું ઘર જ્યાં અગાઉ હતું, તે જ ઠેકાણે નાગલોકોએ ધવલગૃહ ખડું કરીને શણગાર્યું. હાથી, ઘોડા ને વેલ પાલખી લઈને નાગ લોકો આવ્યા. અલિંજર નાગની સ્ત્રીએ અઢળક પહેરામણી આણી.

પછી તો વૈરોટ્યા રોજ અલિંજર-પત્નીને ઘેર જાય-આવે છે, ને પૂરાં માનપાન પામે છે. પછી તો સાસુ પણ વહુને રૂડી રીતે રાખે છે. વૈરોટ્યાના રક્ષણાર્થે નાગણી માએ પોતાના નાગ-બેટાને ત્યાં મૂકેલ છે. વૈરોટ્યા તો એ સર્પોને ઘડામાં રાખે છે. એવામાં ઘરની કોઈક દાસીએ એ સર્પ ભર્યો ઘડો ધગેલી થાળી પર મૂક્યો. વૈરોટ્યાએ તરત જ એ ઉતારી નાખ્યો, ને એ સર્પોના ઉપર પાણી છાંટ્યું. એમાંથી એક સર્પ બચ્ચું પૂંછડા વગરનું બન્યું. જ્યારે જ્યારે એ બાંડું બચ્ચું પડે-આખડે છે ત્યારે વૈરોટ્યા બોલે છે : ‘બણ્ડો જીવતુ.’ વૈરોટ્યાના હેતથી પ્રસન્ન બનેલા ભાઈ જેવા સર્પકુમારો ખૂબ પહેરામણી સાથે નામ પાડીને પાછા ગયા.

પછી એક દિવસ અલિંજર નાગ પોતાના એક પુત્રને બાંડો દેખીને ક્રોધ કરી ઊઠ્યો : ‘કોણ દુષ્ટે મારા દીકરાને પૂંછડા વગરનો કર્યો?’ અવધિજ્ઞાન મૂકીને એણે જાણી લીધું કે એ કરનાર વૈરોટ્યા છે. એના પર રોષે ભરાઈને રૂપ બદલીને વૈરોટ્યાના ઘરમાં જઈ બેઠો. વૈરોટ્યા બહારથી ઘેર આવી, ઘરમાં પ્રવેશતાં જ એ બોલી, ‘બણ્ડો મે જીવતુ ચિરમ્’. એ સાંભળીને પ્રસન્ન બનેલો નાગરાજ વૈરોટ્યાને ઝાંઝરની જોડી દઈને બોલ્યો : ‘બેટા, હવેથી તારે પાતાળમાં આવવું, નાગભાઈઓ પણ તારે ઘેર આવશે.’ પછી તો વૈરોટ્યા પાતાળમાં આવ-જા કરે છે.

હવે, વૈરોટ્યાના સસરા પદ્મદત્તને શ્રી આર્યનંદિલ સાધુએ કહ્યું કે તારી પુત્રવધૂને કહે, એમણે નાગની પાસે માગવું કે તમારે પૃથ્વી પર કોઈને કરડવું નહિ.

એ પ્રમાણે વૈરોટ્યાએ પાતાળમાં જઈ નાગલોકોને કહ્યું : ‘સાઽલિંજર પત્નીં જીયાત્! સોઽલિંજરો જીયાત્! યેનાઽહમપિતૃગૃહાઽપિ સપિતૃગૃહા કૃતા. અનાથાઽપિ સનાથા સંજાતા…’ વગેરે કહીને એ પાછી ઘેર આવી. ગુરુએ ‘વૈરોટ્યાસ્તવ’ નામનું સ્તોત્ર રચ્યું. એ સ્તવનનો જે પાઠ કરે તેને સર્પનો ભય ન રહે, વગેરે.

જૈન સ્વાંગમાં લોકકથા

ઉપલી કથામાં જે જૈન સૂરિ વગેરેનો ઉલ્લેખ છે, તે તો, અનેક શુદ્ધ લોકકથાઓને જૈન સ્વરૂપ આપીને સંપ્રદાયદૃષ્ટિએ બોધાત્મક બનાવવાની પરાપૂર્વથી ચાલી આવતી જૈન રસમ લેખે ઘટાવી શકાય. રાજા, નગર, શેઠ, શેઠાણી વગેરેનાં એક જ પ્રકારનાં નામ પણ એ જૈન-રૂઢિને આભારી છે. પણ વાર્તાની આંતરગત લાક્ષણિકતારૂપ તત્ત્વો તો આ છે :

આ સંસ્કૃત પ્રબંધમાં વૈરોટ્યાના ઉદ્ગાર છે ‘યેનેદં ભક્ષિતં ભક્ષ્યં પૂર્યતાં તન્મનોરથ:’ તેની સાથે સરખાવીએ વ્રતકથાના ઉદ્ગાર :

‘હશે બાઈ! ભલે ખાધા. ખાનારી યે મારા જેવી જ કોઈ અભાગણી હશે. જેણે ખાધાં એનાં પેટ ઠરજો!’

એ જ રીતે પૂંછડા વગરના સર્પને માટે વૈરોટ્યા બોલે છે : ‘બણ્ડા મે જીવતુ ચિરમ્’ તેની સાથે વ્રત-કથાનો બોલ છે :

         ‘ખમા મારા ખાંડિયા બાંડિયા વીર, મારા નપીરીના પીર,

         શેષનાગ બાપ ને નાગણ મા, જેણે પૂર્યાં હીર ને ચીર.’

બરાબર એ જ શબ્દો, છેલ્લે વૈરોટ્યા બોલી રહી છે :

‘સોઽલિંજર પત્નીં જીયાત્…’ વગેરે

આવી તુલના કરતાં, પુરાતન કોઈ લોકકથા પરથી જ સંસ્કૃત પ્રબંધ રચાયો હોવાનો સંભવ વિશેષ ભાસે છે.

ઉપરાંત આ બધા પ્રબંધો પૈકી અમુકનાં કથાવસ્તુ તો રાજશેખરસૂરિએ પણ અન્ય જૂની સામગ્રીમાંથી ઉપાડેલ હોવાનાં પ્રમાણો છે. એ દૃષ્ટિએ આ નાગપાંચમની કથાની પણ પુરોગામી કોઈક અપભ્રંશ લોકકૃતિ હોવાનું અનુમાન થઈ શકે છે.

પ્રેમાનંદે લોકસાહિત્યમાંથી લીધું

‘કંકાવટી’ (ભાગ 1)ના ‘મોળાકત’ના વ્રતસાહિત્યમાં ગોરમાની સ્તુતિ છે.

         ગોર મા ગોર મા રે, સસરા દેજો સવાદિયા

         ગોર મા ગોર મા રે, સાસુ દેજો ભૂખાળવાં

         ગોર મા ગોર મા રે, કંથ દેજો કહ્યાગરો.

એ વગેરેની સાથે ઘણુંખરું મળતું આવતું પદ પ્રેમાનંદના ‘ઓખાહરણ’માંથી પ્રાપ્ત થાય છે. શ્રી મંજુલાલ મજમુદાર પાસેની સચિત્ર પ્રતમાં વડોદરા મુકામે મેં એ જોયું છે.

ગૌરીપૂજન કરતાં ઓખા, પાર્વતીજીને પ્રાર્થના કરે છે :

[1] ગોર મા! માગું રે હું તો કંથજીનાં રાજ, કંથજીનાં રાજ:

                   ચાંદલો, ચૂડો, અવિચલ ઘાટડી.

ગોર મા! માગું રે હું તો સસરાનાં રાજ, સસરાનાં રાજ;

                   સાસુ તે માગું ભૂખાલડી.

ગોર મા! માગું રે હું તો દાદાનાં રાજ, દાદાજીનાં રાજ;

                   માડી રે સદા સોહામણી.

ગોર મા! માગું રે હું તો જેઠનાં રાજ, જેઠજીનાં રાજ;

                   જેઠાણી તે મીઠાબોલણી.

ગોર મા! માગું રે હું તો વીરાજીનાં રાજ, વીરાજીનાં રાજ;

                   ભાભી તે હાલ હુલાવતી.

ગોર મા! માગું રે હું તો પુત્રપરિવાર, પુત્રપરિવાર;

                   વહુવર પાયે રે લાગતી.

ગોર મા! એટલી પૂરો મનડાની આશ, મનડાની આશ;

                   ઝાઝું તો કંઈએ નથી માગતી.

પ્રેમાનંદે લોકસાહિત્યમાંથી લીધું, કે લોકસાહિત્યે પ્રેમાનંદમાંથી? બેમાંથી કોણ જૂનું? કોણ મૌલિક? કોણ વધુ ચમત્કૃતિમય? એ પ્રશ્ન તપાસવા જેવો છે.

રાજસ્થાની ગણગોર

એ જ કૃતિમાંથી પા. 15 પરનું જોડકણું જુઓ : ‘ગોર્ય ગોર્ય માડી, ઉઘાડો કમાડી’ વગેરે. ને તેની સાથે સરખાવો નીચેનું શબ્દેશબ્દે મળતું રાજસ્થાની લોકગીત :

         ગવર ગિણગોર માતા, ખોલ કિંવાડી

         બહાર ઊભી થારી પૂજણવાળી

         પૂજો એ પૂજાયાં બાયાં, આસણ કાસણ માંગાં

         જળહર જામી બાબો માંગાં, રાતા દેઈ માય

         કાન્હકંવર-સો વીરો માંગાં, રાઈ-સી ભોજાઈ

         સાંવળિયો બહનોઈ માંગાં, સોદરા બહન માંગાં

         હાંડા ધોલણ ફૂકો માંગાં, ઝાડૂ દેવણ ભૂવા

[‘રાજસ્થાન કે લોકગીત’ પ્રથમ ભાગ : પૂર્વાર્ધ, પાન 83]

એક જ તહેવાર, એક જ વ્રત, સમાન ભાવ અને સરખા શબ્દો. રાજસ્થાની લોકસાહિત્યના ભાષાભાવનાં નીર એકમેકમાં વહેતાં હતાં. પાણી એક જ હતાં, આરા જ ફક્ત જુદા હતા.

દેવાદિક તત્ત્વ પરત્વે લોકસમૂહે જે દૃષ્ટિએ નિહાળ્યું અને જે એક લૌકિક રહસ્યદર્શન વિકસાવ્યું તેનો પરિપૂર્ણ ખ્યાલ કરાવવાને માટે ‘કંકાવટી’નો આ એક જ ભાગ પૂરતો નથી. એટલા માટે જ હું આના જેવડો બીજો ખંડ પણ પ્રકટ કરી ચૂક્યો છું. તેમ એમાં મેં સુદીર્ઘ ને સવિસ્તર પ્રવેશક પણ આપેલ છે. નરી વાર્તાદૃષ્ટિએ પણ એમાંની સામગ્રી મનોરંજક અને સાહિત્યશીલ છે. પણ તે ઘણાં વર્ષો પાછળથી પ્રકટ થયો એટલે ઘણા વાચકોનું લક્ષ તે તરફ ગયું લાગતું નથી.

રાણપુર, તા. 9-10-41ઝવેરચંદ મેઘાણી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...