મુખ્ય સામગ્રી પર જાઓ

૫ મૂંઝવણ

 ‘સંભવિત છે.’ તેણે જવાબ આપ્યો. 'પરંતુ આપ આવતી કાલ સુધીમાં જો આ છાવણી અહીંથી ઉઠાવી નહિ લ્યો તો જે પરિણામ આવશે તે એટલું જ ભયંકર બનશે.’

‘પણ મારે તેનું કારણ જાણવું જોઈએ. ફક્ત તમે કહો એટલા ઉપરથી હું આવી સારી જગા છોડી શકીશ નહિ. યુદ્ધનો મને પણ અનુભવ છે. ઠગ લોકોને આ જગ્યાએ રહીને કાબૂમાં લાવી શકાય એમ છે.' મેં કહ્યું.

‘ભલે, આપની ઇચ્છા. હું હવે જઈશ. મારી સલાહ માનવી ન માનવી એ તમારી મરજીની વાત છે. માત્ર એક મારી માગણી છે : હું તમારો અંગત મિત્ર છું એ વાત કદી ભૂલશો નહિ.’ આમ કહી તે ઊભો થયો. તેની નજીકમાં બેઠેલા ‘રાજુલે' પણ ઊભા થઈ આગળ ચાલવાનું શરૂ કર્યું. આટલું બધું સૌંદર્ય, આટલી બધી સરળતા ! અને સાથે સાથે ભયંકર ભેદીપણું ! આ બાળક જેવા લાગતા યુવકમાં એ સર્વ શી રીતે સમાયું હશે? તેને મારી સાથે શો સ્વાર્થ કે સંબંધ હશે કે જેથી તે મારો મિત્ર થવા માગે છે?

આ વિચારો તેને તંબુમાંથી વિદાય કરતાં કરતાં મને આવી ગયા. મેં તેને જતે જતે ખાતરી આપી કે તેણે મને પણ પોતાનો મિત્ર સમજવો. - જોકે સાથે સાથે મેં એ પણ કહ્યું કે ફરજ અદા કરવામાં મિત્રાચારીનો પણ ભોગ આપવો જોઈએ. નિર્ભયતાની મૂર્તિ સરખો તે વગર સંકોચે મારી છાવણીમાંથી બહાર જઈ રાતના અંધકારમાં અદૃશ્ય થયો.

આટલેથી મારું મન માને એમ નહોતું. આ યુવકને આમ ને આમ જવા તો ન જ દેવો જોઈએ એમ મને લાગ્યું. એના સંબંધમાં ચોક્કસ બાતમી મેળવવી જ જોઈએ એ વિચાર મને પીડવા લાગ્યો. મેં બૂમ મારીને મારા એક વિશ્વાસુ અંગરક્ષક દિલાવરને બોલાવ્યો.

દિલાવરને એક અત્યંત બહાદુર અને યુક્તિબાજ સૈનિક તરીકે હું જાણતો હતો. પ્રાણાન્તે પણ તે પોતાનું કામ પાર પાડશે એવો મને તેના ઉપર વિશ્વાસ હતો. દિલાવર આવી મારી પાસે સલામ કરી ઊભો રહ્યો. ​‘દિલાવર ?’ મેં કહ્યું, ‘મારી પાસે હમણાં એક ભયંકર માણસ આવી ગયો. તું જાણે છે ?’

‘જી, હા.' તેણે જવાબ આપ્યો અને ઉમેર્યું : ‘મને લાગ્યું કે તે બાતમીદાર છે.'

‘તારી ધારણા ખરી છે.' મેં ભેદ ન ખોલતાં જણાવ્યું. ‘છતાં મને તે બાતમીદાર ભયંકર લાગે છે. તું એની પાછળ દોડ, અને એની હિલચાલ ઉપર નજર રાખ. વખતોવખત મને ખબર કરતો રહેજે. જલદી જા, નહિ તો તેનો પત્તો લાગવો મુશ્કેલ છે.'

‘જેવી હજૂરની મરજી !’ કહી સલામ કરી દિલાવર દોડ્યો, અને અંધકારમાં તે પણ ગુમ થયો.

હું સૂતો. પરંતુ મને યુવકનાં જ સ્વપ્ન આવ્યાં કર્યા. સવારમાં હું મોડો ઊઠ્યો. ગવર્નર જનરલ તરફ મેં એક ગોળ ગોળ નિવેદન મોકલ્યું અને તેમાં જણાવ્યું કે મિસ પ્લેફૅર સંબંધી ચોક્કસ બાતમી મળી છે અને તે જીવે છે; ઉપરાંત ‘ચંદ્રિકા’ હીરો ચોરાયેલો તે પણ મારા જોવામાં આવ્યો છે, અને તે મેળવવાની તૈયારીમાં જ અમે બધા છીએ. એ હકીકત લખી કાગળ રવાના કર્યો.

બપોર થતાં અમારી છાવણીમાં એકાએક ગભરાટ છવાઈ રહ્યો. સૈનિકો આમતેમ જવા લાગ્યા. સહુના મોં ઉપર મેં વ્યાકુળતા જોઈ. એટલામાં જ મારા મદદનીશે દોડતાં આવી મને જણાવ્યું કે ખજાનો લૂંટાઈ ગયો હતો.

આજે સરકારી ખજાનો આવવાની રાહ જોવાતી હતી. અમારી પાસેના પૈસા ખૂટી ગયા હતા; એટલે રીત મુજબ આખા લશ્કરને પગાર અને ખોરાકી મળે એ માટે લગભગ ત્રણ લાખની રકમ અમારા તરફ આવવાની હતી.

હું એકદમ ઊભો થઈ ગયો. 'શું કહો છો ?' મેં ઉશ્કેરાઈને પૂછ્યું. ‘આપણાથી આપણો પૈસો પણ સચવાતો નથી, તો હવે લશ્કરો ઊભાં કરી રૈયતને ઠગના ત્રાસમાં છોડાવવાનો ડોળ કરવો મૂકી દેવો જોઈએ !’

મારો મદદનીશ બોલ્યા વગર ઊભો રહ્યો. ઠપકો સહન કરવાની તૈયારી કરીને જ તે આવ્યો હતો. ખજાનો ક્યાં લૂંટાયો, કોણે લૂંટ્યો, વગેરે પ્રશ્નો મેં કરવા માંડ્યા. તેણે જવાબ આપ્યો :

‘ખજાના ઉપરના પહેરાનો નાયક બહાર ઊભો છે. તે ખબર લાવ્યો. મેં બીજી હકીકત પૂછી જ નથી. કહો તો અંદર બોલાવું.’ ​મેં નાયકને અંદર બોલાવવા કરતાં તંબુની બહાર જવાનું પસંદ કર્યું. હું તથા મારો મદદનીશ બંને બહાર ગયા. નાયક ઊભેલો જ હતો. તેણે લશ્કરી ઢબે મને સલામ કરી. હું ચિડાયો.

‘નાયક ! તમે આ ખબર લાવ્યા ?' મેં બૂમ મારી પૂછ્યું. તેણે શરમમાં ડોકું નીચું નમાવ્યું.

‘તમને હથિયાર આપ્યાં છે તે વાપરવા માટે આપ્યાં છે, એ તો ખબર છે ને ?' મેં ટોણો માર્યો.

‘હજૂરને હથિયાર વાપર્યાની હું ખાતરી આપી શકું એમ છું.' તેણે જવાબ આપ્યો. તેના શરીરમાં લોહી વહેતું હતું, માથામાં પડેલો ઘા દેખી શકાતો હતો અને તેનાં કપડાં રુધિરથી ભીનાં થયેલાં હું જોઈ શકતો હતો. આવા બહાદુર સિપાઈને ઠપકો આપવો એ તેને અન્યાય કરવા જેવું મને લાગ્યું.

તેને સારવારની વધારે જરૂર હતી. મેં કહ્યું : ‘ચાલો, જે થયું એ ખરું. એ લોકોને ઠેકાણે લાવવા પડશે. ક્યાં આગળ તમે લૂંટાયા ? અને કોણે લૂંટ્યા ?'

‘હજૂર ! બહુ નજદીકમાં જ લૂંટ થઈ. અહીંથી અડધો ગાઉ પણ નહિ હોય. લૂંટારાઓને તો હું ઓળખી શક્યો નહિ, પરંતુ પચાસેક માણસો હથિયારબંધ હતાં.' તેણે જવાબ આપ્યો.

મેં એકદમ રણશિંગડું ફૂંકાવરાવ્યું, નાયકને સારવાર માટે મોકલી દીધો, અને લશ્કરને તૈયાર કરી ચારેપાસ ફરી દુશમનોનો અને ખજાનાનો એકદમ પત્તો મેળવવા હુકમ આપી દીધો. લશ્કરીઓમાંથી કેટલાક જમ્યા હતા અને કેટલાક જમતા હતા. તે સર્વ પોતપોતાની ટુકડીઓમાં ભેળવાઈ ગયા અને પા કલાકમાં આખું લશકર તૈયાર થઈ ઊભું.

મેં મોટે અવાજે જણાવ્યું :

“આજ તમારી નજીકમાં જ બદમાશોએ તમારો ખોરાક ઝુંટવી લીધો છે. એ બદમાશો નજીકમાં જ છે એટલે તમે બહાદુરી બતાવશો તો રાત પહેલાં તેમને પકડી સજાએ પહોંચાડી શકશો. કંપની સરકારનું લશ્કર કદી પાછું પડતું નથી. જો ખાલી હાથે આવશો તો તમે સરકારના હથિયાર પકડવા લાયક રહ્યા નથી એમ માની તમને સઘળાને હું ખેતી અને મજૂરી કરવા પોતપોતાને ઘેર મોકલી દઈશ.’

આટલું કહી છાવણીમાં રક્ષણ માટે થોડાક સૈનિકો રાખી આખા લશ્કરને મેં આજ્ઞા આપી. ચારે બાજુએ યુક્તિસર કેમ વેરાઈ જવું અને ​અમુક અમુક જગાઓ કેમ તપાસવી, એ સંબંધમાં ખાસ કાળજીભરી સૂચના કરી લશ્કરને આગળ વધવાનો હુકમ આપ્યો.

આ હુકમ આપતાંની સાથે મારા તંબુમાંથી ખડખડાટ હસવાનો અવાજ મારે કાને પડ્યો. મેં ચોંકીને અંદર જોયું તો પેલા યુવકનું હસતું મોં મારી નજરે પડ્યું. મારો શ્વાસ રૂંધાઈ ગયો.

‘શું આ યુવક કોઈ ભૂતપ્રેત તો નથી ? એકદમ મને વિચાર થઈ આવ્યો. મેં આગળ વધતા લશ્કર તરફ નજર ફેરવી. હુકમ મુજબ તે છાવણીની બહાર ધસતું હતું. નજર પાછી અંદર કરી તો તંબુમાં કોઈ જ નહોતું, મને લાગ્યું કે મેં યુવકને જોયો એ મારી ભ્રમણા જ હતી. હું તંબુમાં ગયો. એકએક ખૂણો મેં તપાસ્યો. તંબુ ખાલી જ હતો. હું મારા પલંગ ઉપર પડ્યો અને ખજાનો લૂંટાયાનો અફસોસ કરવા લાગ્યો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...