મુખ્ય સામગ્રી પર જાઓ

૧૧ બોળ ચોથ

[બોળિયો એટલે વાછડો : તે પરથી ‘બોળ ચોથ’ નામ પડ્યું છે. આ કથામાંથી એવો કંઈક ધ્વનિ નીકળે છેકે કોઈ માંસાહારી પ્રજાનું આ વ્રત હોવું જોઈએ. નહિતર ભૂલથી વાછરડાને મારી નાખવાની મૂર્ખાઈને એ યુગ ચલાવી લે નહિ. આજે પણ હિંદના અન્ય અનેક પ્રાંતોમાં બ્રાહ્મણો માંસાહારી ક્યાં નથી? વ્રતની પ્રાચીનતા ઉપર આ કથાનું તત્ત્વ પ્રકાશ પાડે છે.]

શ્રાવણ માસ આવ્યો છે. અંધારી ચોથ આવી છે. તે દી તો ગામોટીને ઘેર એકરંગી ગા’ ને એકરંગી વાછડો પૂજાય.

ગામોટીની વહુ તો ઊઠીને ના’વા ગઈ છે. વહુ–દીકરીને કહેતી ગઈ છે : “આજ તો તમે ઘઉંલો ખાંડીને ઓરજો.”

સાસુ તો ઘઉંનું ગળ્યું ધાન રાંધવાનું કહી ગઈ છે, પણ વહુ–દીકરી તો વાત ઊંધી સમજ્યાં છે. ગામોટની ગા’ના વાછડાનું નામ ‘ઘઉંલો’ છે.

નણંદ–ભોજાઈએ તો ભેળી થઈ, ઘઉંલા વાછડાને ઝાલી, કાપી, ખાંડીને હાંડલામાં ચડાવી દીધો છે. એને તો બાફી નાખ્યો છે.

ગામોટીની વહુ તો નાહીધોઈને ઘેરે આવી છે. દીકરીને એણે પૂછ્યું છે કે “કાં, ઘઉંલો બાફ્યો?”

દીકરી કહે, “હા. પણ માડી, ઘઉંલો તો કાંઈ ભૂંડો ને! ઝાલ્યો ઝલાય નહિ! કાપ્યો કપાય નહિ! અને એણે તો શું રાડ્યું પાડી છે ને! ભાંભરડે ભાંભરડા નાખે! માંડ માંડ કપાણો.”

થડક થઈને મા તો પૂછે છે કે “તે તમે ક્યો ઘઉંલો બાફ્યો?”

“બીજો ક્યો વળી? આપણો વાછડો.”

“અરર! વાલામૂઇયું! તમે તો કાળો કોપ કર્યો! હવે આપણે મોઢું શું દેખાડશું? આ સાંજ પડ્યે તો ગા’–વાછડો પૂજવા ગામની ગોરણિયું આવશે! ગા’ આવીને ભાંભરડા દેવા માંડશે! આપણે એને જવાબ શો દેશું?”

મા તો મુંઝાઈ ગઈ છે. ઘઉંલાવાળું હાંડલું લઈને ત્રણેય જણીઓ છાનીમાની ઉકરડામાં દાટી આવી છે. આવીને ખડકી વાસી દીધી છે. ત્રણેય જણીઓ સંતાઈને ઘરમાં બેસી ગઈ છે.

આજ તો આઢતી ગા’ પૂજાય છે, પણ આગળ આવતી ગા’ પૂજાતી.

ગામોટીની ગા’ સીમમાં ચરતી’તી ત્યાં એને સત ચડ્યું છે. માથે પૂછડું લઈ કાન પહોળા કરતી, ભાંભરડા દેતી, નાખોરાના ફરડકા બોલાવતી ગા’ વાજોવાજ ગામમાં વહી આવે છે.

આવે છે ત્યાં તો સામો સાવજ મળ્યો છે. આડો ઊભો રહીને સાવજ કહે કે “તને ખાઈ જાઉં!”

ગા’ તો બોલી છે કે “અરે ભાઈ, ગામની ત્રણસો ગોરણિયું સવારની ભૂખી બેઠી છે. હું નહિ જાઉં તો એ ખાશે નહિ. એને ખવાડીને હું હમણાં પાછી આવું છું. પછી મને ખુશીથી ખાજે.”

સાવજે તો ગા’ને જાવા દીધી છે. વગડાને ધણેણાવતી ગા’ તો દોડી આવે છે, ગામમાં આવીને એણે તો ઉકરડામાં શીંગડાં ભરાવ્યાં છે.

ભરાવે ત્યાં તો હાંડલું ફૂટ્યું છે ને સડાક દેતો વાછડો બેઠો થયો છે. પોતાની માને ચસ! ચસ! ધાવવા માંડ્યો છે, મા તો વાછડાને ચાટવા મંડી છે.

અને વાછડાની ડોકમાં તો હાંડલીનો કાંઠો વળગી રહ્યો છે.

સાંજ પડી ત્યાં તો ગામ આખાની ગોરણીઓ હાથમાં પૂજાની થાળીઓ લઈ લઈને ગામોટીને ઘેર ગા’ પૂજવા હલકી છે.

આવીને જુએ તો ખડકી તો વાસેલી છે. ઘરમાં તો કોઈ કરતાં કોઈ સળવળતું નથી. સમી સાંજે જાણે સોપો પડી ગયો છે.

ગોરણીઓ તો ખડકીનું બાર ભભડાવે છે કે “ગોરાણી! એ ગોરાણી! ઉઘાડો, આ સૌ ગોરણિયું ગા’ પૂજવા આવી છે.”

પણ કોઈ બોલે કે કોઈ ચાલે! ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણી પારેવડી જેવી ફફડે છે. એનો તો ફડકે શ્વાસ જાય છે.

વાટ જોઈ જોઈને વળી પાછી ગોરણીઓ બોલે છે, “અરેરે! આ ગા’ આવીને ઊભી છે. આ વાછડો ગા’ને ધાવી જાય છે. અને આ વાછડાની ડોકમાં આજ તો ફૂલના હાર હોય એને સાટે આ રાંડુંએ તો વાછડાને કાળા હાંડલાનો કાંઠો કાં પે’રાવ્યો છે?”

ખડકી બહાર તો આવી આવી વાતો થાય છે. ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણીઓ કાનોકાન સાંભળે છે. સાંભળીને વિસ્મે થાય છે.

મા કહે, “દીકરી, છાનીમાની ખડકીની તરડમાંથી જોઈ આવ તો ખરી! આ ગા’–વાછડાની શી વાતું થાય છે?”

દીકરીએ તો તરડમાંથી ગા’–વાછડાને જીવતાં દીઠાં છે. દોડતી દોડતી ઘરમાં ગઈ છે. માને કહે કે “માડી! ગા’ ઊભી છે, ને ઘઉંલો ધાવે છે!”

“અરે માડી! એ તો કો’ક બીજાનો વાછડો હશે. હવે ઘઉંલો કેવો!” એમ કહીને મા રોઈ પડે છે.

દીકરી માને પરાણે ખડકીએ લઈ જાય છે. જઈને જુએ ત્યાં તો સાચોસાચ ઘઉંલો સજીવન દીઠો છે.

ઝટ ખડકીનું કમાડ ઉઘાડ્યું છે. ગા’ વાછડો દોડીને ફળિયામાં આવ્યાં છે. સાસુ, વહુ ને દીકરીની આંખે તો હરખનાં આંસુડાં હાલ્યાં જાય છે.

ગોરણીઓએ તો બાઈને બધી વાત પૂછી છે, બાઈએ તો બધું કહી સંભળાવ્યું છે. સૌ ગોરણીઓને પગે લાગીને બાઈ તો બોલી છે : “બાઈયું બેન્યું! તમારાં વ્રતને બળે મારો વાછડો બેઠો થયો છે. પગ તો પૂજું તમ ગોરણિયુંના!”

ગોરણીઓએ તો ગા’–વાછડાને ચાંદલા કર્યા છે. ફૂલના હાર પહેરાવ્યા છે. ગા’ના જમણા કાનમાં કહ્યું છે,

માતાજી! સત તમારું
ને વ્રત અમારું.

તે દીથી સૌ ગોરાણીએ ઠરાવ્યું છે કે આજથી બોળ ચોથને દા’ડે પાટિયામાં રાંધેલું, છરીનું સુધારેલું કે ખારણિયામાં ખાંડેલું કોઈ ખાશો મા! ઘઉં ખાશો મા!

વળતે દી ગાય તો વગડામાં ગઈ છે. એણે તો સાવજને વચન દીધું, તું એ પ્રમાણે એ સાવજ પાસે પહોંચી છે. જઈને કહ્યું, “લે ભાઈ; તારે મને ખાવી હોય તો હવે ખાઈ જા.”

સાવજે તો ગા’ના ગળામાં ફૂલના હાર દેખ્યા છે, વિસ્મે થઈને પૂછ્યું છે : “અરે બાઈ, આ તારા ગળામાં ફૂલહાર શેના?”

ગા’એ તો સાવજને બધી વાત કીધી છે. સાંભળીને સાવજ બોલ્યો છે કે “માતાજી! તું તો સતવાળી કહેવા. હું તને કેમ ખાઉં!”

બોળ ચોથ મા એને ફળ્યાં એવાં સૌને ફળજો!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...