મુખ્ય સામગ્રી પર જાઓ

૨૭ અગતાની વાત

કણબીની ડોશી.

એને સાત દીકરા : સાતેયને વહુવારુ.

વહુઓને સાસુ દિવસ ને રાત ઘરનાં કામ ખેંચાવે. એકેય દા’ડાનો અગતો ન પાળવા દે. ન વિસામાનો શ્વાસ મૂકવા આપે.

વહુઓ તો ગળે આવી ગઈ છે. વીફરી ગઈ છે કે, આપણે સાસુના માથાની થઈએ.

બાઈજી! ઓ બાઈજી, અમે પાદર પાણી ગયાં’તાં, ત્યાં એક ગામોટ મળ્યો. એણે ખબર દીધા છે કે નણંદબા તો માંદાં પડી ગયાં છે. એને તો રોગ ઘેરાઈ ગયો છે.

ડોશી તો હાંફળીફાંફળી થઈ છે. દીકરીને ગામ જવા નીકળી છે. વહુઓને કહેતી ગઈ છે : જોજો હો, છાશ ફેરવી નાખજો, માખણનો પિંડો તાવી નાખજો, દૂધનો પેડો કઢી નાખજો, છાણવાસીદાં કરી નાખજો, કોઠીમાં રૂ ભર્યું છે તે તમામ કાંતી નાખજો.

એ….હો બાઈજી!

સાસુ તો ગઈ છે. પછી વહુઓએ તો ચૂલે ખીરનો પેડો ચડાવ્યો છે. ઘઉંના લોટનો પિંડો બાંધ્યો છે. હાશ! આજ તો સાતેય જણીઓ પેટ ભરીને ખીર ને રોટલી જમશું.

અને કોઠીના સાણામાં સૂતરનું એક આટલું ખોસી રાખો. દેખાડીને કહેશું કે આખી કોઠીનું રૂ કાંતીને ભરી વાળ્યું છે.

સાંજ પડી ત્યાં તો સાસુ પાછી વળી છે. દીકરી તો રાતી રાણ જેવી હતી. દાઝેભરી ડોશી દોડતી આવી છે.

એક વહુ પાણી ભરે છે. એણે બીજીને સાન કરી છે કે ડોશી આવે છે. બીજીએ ત્રીજીને, ત્રીજીએ ચોથીને, એમ ઠેઠ સાતમીને રાંધણિયામાં સંદેશો પહોંચાડી દીધો છે.

ખીરનું પેડું છાણાંના મોઢવામાં સંતાડ્યું છે. સાસુને તો ફોસલાવી લીધી છે. કશું કળાવા દીધું નથી.

પણ હવે ખીર–રોટલી ખાવાં કેમ કરી?

રાત પડી છે. સાસુ સૂઈ ગઈ છે. એટલે વહુઓ ફળિયામાં આવી છે. ભેંસો અને ઘોડાં બાંધ્યાં હતાં. એક એક ભેંસ ઉપર એકએક વહુ ચડી ગઈ છે. કપડાંનાં કછોટા માર્યા છે. એકે માથા પર ખીરનું પેડું લીધું છે. પેડા ઉપર સળગતો દીવો મૂક્યો છે.

ભેંસો ભડકી છે. ફળીમાં તો રમઝટ મચી છે. વહુઓએ દેકારો બોલાવ્યો છે.

સૂતી સાસુ ઝબકી ઊઠી છે. બહાર નીકળીને જોવે ત્યાં તો ભેંકાર રૂપ ભાળ્યાં છે.

‘અરે માતાજી! કોણ છો તમે?’

‘છીએ તારી કુળદેવ્ય!’

‘તારે માથે શું?’

‘હાંડી!’

‘ખાઉં તારી ભેંસ ખાંડી!’

‘અરે માતાજી, મારી ખાંડી ભેંસ તો સારામાં સારી. એને ન ખાજો.’

‘મારા હાથમાં શું?’

‘દીવો.’

‘ખાઉં તારો દીકરો જીવો!’

‘અરે માવડી! મારો જીવો દીકરો તો કમાઉ છે, એને ન ખાજો.’

‘તારી હાંડીમાં શું!’

‘ડોયો.’

‘ખાઉં તારો દીકરો ગોયો.’

‘અરે માતાજી! ગોયો તો મારો કમાઉ છોકરો. એને ખમા કરજો.”

“નહિ ખમા કરીએ. નથી જાવું. તું અગતો નથી પાળતી!’

નથી પાળતી અગતો,

નથી પાળતી સગતો!

તો માર ડોસો હગતો!

ડોશીનો ધણી તો હગવા બેઠેલો. એને એક વહુએ પાણો માર્યો છે. ડોસાએ આવીને કહ્યું કે, કુળદેવી રૂઠ્યાં છે. ઝટ એ કહે તે વાતની હા પાડી દે.

કે માતાજી! જે જોવે તે માગીને હવે તમારે થાનક થાવ.

અઢી શેર ઘી અઢી શેર ગોળ દે.

ગોદડું ઓઢીને સૂઈ જા.

જોઈશ તો આંખે આંધળી થઈશ.

તારું કાત્યું વીંછ્યું કપાસ!

ભેંસો હાંકીને વહુઓ તો ગામબહાર નીકળી ગઈ. ત્યાં પેટ ભરીને ખીર–રોટલી ખાધાં. ખાઈ કરીને પાછી આવીને ઘરમાં પેસી ગઈ.

સાતેએ સંતલસ કર્યો : આપણે સૌ સવારે કામ લેતિયું ઊઠજો. એની મેળે જ ના પાડશે.

સવારે ડોશી ઊઠે ત્યાં તો વહુઓ કામે વળગી ગયેલી. ડોશીએ કહ્યું : માડી! આજ કામનો અગતો. હવેથી આપણે અગતા પાળવા છે.

તે દીથી ડોશીએ છૂટી રાશે વહુવારુને મૂકી દીધી!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...