મુખ્ય સામગ્રી પર જાઓ

૧ પૂજારિણી

 અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી કે “હે દેવ ! શ્રી- ચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.”

“એ કણી લઈને જગતમાં શાં શાં ધતીંગ ફેલાવવા માગો છો, ભૂપતિ ?” બુદ્ધે હસીને પૂછ્યું.

“એક જ ધતીંગ, પ્રભુ ! અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ.”

રાજબગીચાની અંદર એક ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિમ્બીસારે સુંદર સ્તુપ ચણાવ્યો. દેશદેશના કારીગરોએ આવીને સ્તુપ ઉપર બારીક નકસી મૂકી. એ પથ્થરો જાણે હમણાં બોલી ઊઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઊઠશે એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી.

રોજ સાંજ પડે ત્યારે મહારાજની મહારાણી અને રાજ- બાળાઓ સ્નાન કરે, શુધ્ધ વસ્ત્રો પહેરે, છાબડીમાં ફૂલો વીણે અને સોનાની થાળીમાં પૂજાની સામગ્રી ભરીને સ્તૂપ પાસે પધારે. સ્તૂપની આસપાસ ફૂલેાની માળા રાત્રિભર મહેકી રહે ​અને કનકની આરતીમાં દીવાઓની જ્યોતિમાલા પરોડ સુધી ઝળહળી રહે.

સંધ્યાએ સંધ્યાએ નવી પૂજા, નવાં પુષ્પો અને નવી જ્યોતિકાઓ.

વર્ષો વીત્યાં, બિમ્બીસાર રાજા મરણ પામ્યા. યુવરાજ અજાતશત્રુ સિંહાસને બેઠા. બ્રાહ્મણધર્મના એ ભક્તે નગરીમાં લોહીની નદીઓ વહેવડાવીને પિતાનો ધર્મ ઊખેડી નાખ્યો. યજ્ઞની જ્વાલાઓની અંદર એણે બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રો સમર્પી દીધાં. રાજનગરીમાં એણે સાદ પડાવ્યો કે “ખબરદાર ! પૂજાનાં ત્રણ જ પાત્રો છે : વેદ, બ્રાહ્મણ અને રાજા. ચોથા કશાની યે પૂજા કરનારનો હું પ્રાણ લઈશ.”

નગરીનાં નરનારીએ કમ્પી ઊઠ્યાં. બુદ્ધના નામનો ઉચ્ચાર બંધ થયો, યજ્ઞની વેદીમાંથી ઠેરઠેર જ્વાલાઓ છૂટી ને ખાઉ ખાઉ કરતી આકાશમાં ચડવા લાગી.

સાદ પડ્યો તે દિવસની સાંજ આવી. રાજમહેલની એક દાસી નહાઈધોઈને તૈયાર થતી હતી; ફૂલો અને દીવાઓ સજ્જ કરતી હતી. એના હોઠ ઉપર બુદ્ધદેવના નામોચ્ચાર રમતા હતા.

એવી તે એ નારી કોણ છે ? કાં એને ભય નથી ? એણે શું રાજઆજ્ઞા નથી જાણી ?

શ્રીમતી નામની એ દાસી હતી. રોજ સાંજે રાજરમણીઓ સ્તુપની પૂજા કરવા જાય ત્યારે આ અભણ ને અજ્ઞાન દાસી પૂજાની સામગ્રી સજ્જ કરી, હાથમાં ઉપાડી, પૂજનારીઓની સાથે જતી, જઈને આઘે એક ખૂણામાં ઊભી રહેતી, કાંઈ આવડે ​તો નહિ, પણ આંખો મીંચીને ઊભી ઊભી રોજ એ કાંઈક બડબડ્યા કરતી. એની કાલીઘેલી વાતો કેમ જાણે કોઈ અંતરિક્ષમાંથી સાંભળતું હોય, મીઠા મીઠા ઉત્તર દેતું હોય, તેમ આ દાસી છાનીછાની હસ્યા કરતી.

રાજઆજ્ઞા એણે સાંભળી હતી.

ધૂપદીપ લઈને દાસી શ્રીમતી રાજમાતાની પાસે આવી ઊભી રહી, બોલી કે “બા, પૂજાનો સમય થયો.”

મહારાણીનું શરીર થરથરી ઊઠ્યું. ભયભીત બનીને એ બોલ્યાં: 'નાદાન ! નથી જાણતી? સ્તુપ ઉપર ધૂપદીપ કરનારાને કાં તો શૂળી મળશે, કાં તે કાળું પાણી મળશે. ભાગી જા ગોલી ! પૂજાનું નામ હવે લેતી ના !'

શ્રીમતી પાછી વળીને રાજરાણી અમિતાને ઓરડે પહોંચી. રત્નજડિત આરસી ધરીને રાણીજી અંબોડો વાળતાં હતાં ને સેંથામાં છટાથી હીંગળો પૂરતાં હતાં.

શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને રાણીજી ઝબક્યાં, હાથ હલી જવાથી એને સેંથો વાંકોચૂકો થઈ ગયો.

શ્રીમતી કહેઃ “રાણીજી, પૂજાનો સમય થયો.”

રાણી બોલ્યાં : “સાથે સાથે મરવાનો પણ સમય થયો છે કે શું ? જલદી ચાલી જા આંહીંથી. કોઈ જોશે તો રાજાજીનો કોપ સળગશે, મૂરખી ! પૂજાના દિવસો તો ગયા.”

આથમતા સૂર્યની સામે ઝરૂખો ઉઘાડીને રાજકુમારી શુક્લા એકલાં પડ્યાં પડ્યાં કવિતાનું પુસ્તક વાચવામાં મગ્ન હતાં. ​ઝાંઝરનો ઝણકાર સાંભળીને બારણા સામે જુએ, ત્યાં તો પૂજાનો થાળ લઈને ઊભેલી શ્રીમતી !

“કુંવરી બા ! ચાલો પૂજા કરવા.”

“જા એકલી તું મરવા !”

*

નગરને બારણે બારણે શ્રીમતી રખડી, એણે પોકાર કર્યો કે “હે નગરનારીઓ ! પ્રભુની પૂજાનો સમય થયો, ચાલો, શું કોઈ નહિ આવે ? રાજાજીની શું આટલી બધી બીક ? પ્રાણ શું આટલા બધા વહાલા?"

કોઈએ બારણાં બીડી દીધાં, કોઈએ શ્રીમતીને ગાળો દીધી. કોઈ સાથે ચાલ્યું નહિ. શ્રીમતી એ રમ્ય સંધ્યાકાળની સામે જોઈ રહી. દિશાઓમાંથી ઊંચે ઊભું ઊભું જાણે કોઈ કહેતું હતું, “સમય જાય છે, પુત્રી શ્રીમતી ! પૂજાનો સમય જાય છે.” શ્રીમતીનું મોં પ્રકાશી ઊઠયું. એ ચાલી.

દિવસની છેલ્લી પ્રભા અંધકારમાં મળી ગઈ. માર્ગ આખો નિર્જન અને ભયાનક બન્યો. લોકોનો કોલાહલ ધીરે ધીરે બંધ પડ્યો. રાજાજીના દેવાલયમાંથી આરતીના ડંકા સંભળાયા. રાત પડી. શરદના અંધકારમાં અનંત તારાઓ ઝબૂકી ઊઠ્યા. દ્વારપાળે રાજમહેલનાં બારણાં બંધ કરી બૂમ પાડી કે 'કચેરી બરખાસ !'

એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એકાએક કેમ ચમકી ઊઠ્યા ? એમણે શું જોયું ? ચોર ? ખૂની? કે કેાઈ ભૂતપ્રેત? ​ના, ના ! એમણે જોયું કે રાજબગીચાને એક ખૂણે, ગાઢ અંધકારની અંદર, બુદ્ધદેવના સ્તૂપની ચેાપાસ કોઈક દીપમાલા પ્રગટાવી રહ્યું છે.

ખુલ્લી તલવાર લઈને નગરરક્ષકો દોડતા આવ્યા. સ્તુપ પાસે જઈને જુવે છે તો એક સ્ત્રી સ્તુપની સામે ઘૂંટણ પર બેઠી છે, એની બિડાયેલી આંખો અને કાંઈક બડબડી રહેલા હોઠ ઉપર એક હાસ્ય ફરકી રહેલું છે. અંતરિક્ષમાં તને એ કોણ મિત્ર મળ્યો હતો, ઓ તરૂણી ?

નગરપાલે આવીને એ ધ્યાનમગ્ન શરીરને ઢંઢોળ્યું. સવાલ કર્યો કે 'મૃત્યુને માથે લઈ અહીં આરતી કરનારી ઓ ફીટેલી ! કોણ છે તું ?'

“હું શ્રીમતી : બુદ્ધ ભગવાનની દાસી.”

ઉઘાડી તલવાર શ્રીમતીની ગરદન પર પડી. સ્તુપનો એ પવિત્ર પાષાણ તે દિવસે લોહીથી ભીંજાઈને વધુ પવિત્ર બન્યો.

શરદ ઋતુની એ નિર્મળ રાત્રિએ, રાજબાગના એ ખૂણાની અંદર, એકાકી ઊભેલા એ સ્તૂપને ચરણે, આરતીની દીપકમાલાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો; પણ પેલી મરનારીના અંતરની જ્યોત તો જુગજુગાન્તર સુધી યે નહિ બુઝાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...