મુખ્ય સામગ્રી પર જાઓ

૨ સમર્પણ

વરવહુના એકાન્તની વાતો જગતને કહેવાતી હશે ? દંપતીના એકાન્ત પવિત્ર છે; ત્ય્હાં ડોકિયું કરવા પરાયાં કોઈને અધિકાર નથી.

⁠ત્હો ય ઘેર-ઘેર નિજમન્દિર છે, ને સહુના યે સાળુ ભાતીગર છે. એટલે જરાક પડદા ઉઘાડી અમારા રંગઢંગ-કંઈક આછાઅધૂરા યે-સહિયરોને દાખવવાની મ્હને ટેવ પડી ગઈ છે. કેટલીક સાહેલીઓ સાંભળે છે; કેટલીક હસે છે. પોતાનાં યે નિજમન્દિરની એવી એવી વાતોનાં સ્મરણોનાં તેજકિરણો કેટલીકની આંખડીઓમાં વણબોલ્યે ચમકી ઉઠે છે.

⁠સહુના યે એકાન્ત તો સરખા ને ?

⁠ત્ય્હારે એક પ્રભાતની વાત કહું છું.

⁠કોયલને ટહુકે જાગી ને મોરને ટહુકે નાથ જાગ્યા. જાગીને જોયું તો અજવાળાં ઉગતાં હતાં, પણ મ્હોંસૂજણું નહોતું થયું. એક ભરથરી રાવણહથ્થાને છેડી મોરને ઘેરે ઘેરે પ્રભાતિયું ગાતો હતો.

⁠એ રોજ કહેતા કે અમારૂં ગામ કાલિદાસની ઉજ્જ્યની નથી. ગામને પાદર ક્ષિપ્રા યે નથી કે સારસે નથી :

⁠સારસના કલરવે અમે જાગીએ ને કમળવનના સુગન્ધ કળાયે અમે પુનશ્ચેતના પામીએ. રોજ તો અમે એલારામના ઘણઘણાટથી જાગતાં.

⁠અને જાગીને યે અમે તન્દ્રામાં પડતાં.

​⁠હૈયા ઉપર હૈયું પાથરી હું પડી હતી. નાથના કરતલની કમળપાંખડીઓ દેહદેશને પંપાળતી, રોમાંચ જગાડી, દેહમાંનાં રૂધીર વધુ વેગે વહેવડાવતી હતી.

⁠કેટલાંક તરનારાં જાણે જલપથારીમાં પોઢે છે ને નિશ્ચેષ્ટ શા પડ્યા રહે છે : એમ હું કેટલોક સમય પડી રહી. બારીની વેલીમાં થઈને આવતો મન્દ મન્દ પ્રભાતી પવન શીતળતા ઢોળતો. શીતળતાનાં એ શીતાસવ પી પીને ઠરી ગયાં સમાં અમે પડ્યાં હતાં.

⁠અમને જીવનનાં ઘેન ચ્હડ્યાં હતાં. यतो वाचो निवर्तन्ते એવી કો સમાધિદશામાં અમે જાણે રસસમાધિસ્થોમાં પડ્યાં હતાં.

⁠જગતમાં કેટલાંક મનસ્વીઓ છે. કોઈની વાટ નથી જોતાં, કોઈનો વિચારવિવેક નથી કરતાં, પ્રસંગની યોગ્યા-યોગ્યતા જોઈને નથી વર્તતાં. આગગાડી, ઘડીઆળ, સૂરજ એવાં છે. મનસ્વીઓ સહુ સાચાબોલાં પણ વિવેકશૂન્ય હોય છે.

⁠અમારા નિજમન્દિરમાં જાણે પેલા માતા કહાડનારા વળાદરાઓની થાળી રણકી ઉઠી. એ અમારા ઘડીઆળનું એલારામ હતું.

⁠સ્વપ્નાં યે ખૂટે છે ને સાચને યે સીમા છે. અમારી તન્દ્રા ઓસરી ગઈ. જોયું તો જગતમાં રૂપાની રેલો રમતી. સૂર્યે હજી સોનાથી ધરતીને મઢી સુવર્ણા કીધી નહોતી.

⁠હું ઉઠી, ને કહ્યું : જાઉ છું.

⁠એમણે કહ્યું : અજબ છે તમ સ્ત્રીઓનાં સમર્પણ. અંગને આત્મા પુરુષના પૌરુષને સમર્પો છો : ને એમની કઠોરતાની ​કણીઓ યે ખૂંચતી નથી ! પુરુષ નઠોર છે, નગુણો છે. માતાનાં ને પત્નીનાં હૈયાનાં હીર પી પીને પુરુષ પુરુષ થાય છે. ત્હો ય-

⁠મ્હેં કહ્યું : ત્હમે જ શીખવ્યું-સંભળાવ્યું છે ને કે

⁠वज्रादपि कठोराणि, मृदुनि कुसुमादपि.

⁠પુરુષ કાળમીટથી યે કઠ્ઠણ છે, પુરુષ પાંદડીથી યે પાણીપોચો છે. નદીને પત્થરની ભેખડે હોય, નદીને વેળુની પથારી યે હોય. પુરુષના પૌરુષ વચ્ચે અમે વહીએ છીએ, પુરુષની સુકુમારતામાં ઝીલીએ ને ઝીલાઈએ છીએ.

⁠મ્હારી મહુવર બોલ્યે જ રહી:-ને પુરુષનાં સમર્પણે કય્હાં ઓછાં છે જે ? સારો યે દિવસ પ્રાણનો પરસેવો કરો છો, દુનિયાની દીવાલો વચ્ચે અથડાઓ છો, જનતાના ખડકો ઉપર પછડાઓ છો. ત્હમને વાગતાં હશે કે નહિ વાગતાં હોય દેહને દેહીને સંસારના ઘા ? ઉપાર્જી ઉપાર્જીને ધનના ઢગલા ધરો છો અમારે ચરણે. અમને સોનવેલે મઢો છે, અમને શણગારો છો.

⁠એમણે કહ્યું : એ તો ત્હમને માણવાને અમે શણગારિયે છીએ.

⁠વાતની વચ્ચેનો એ ટહુકો મ્હારાથી ન ખમાયો. હું તો ગાજી ઉઠી.

⁠ને સ્ત્રીઓ તો ત્હમને નાંખી દેવાને નચાવતી હશે ? પુરુષ જેવું અજ્ઞાની પ્રાણી મ્હેં દીઠું નથી-એક ત્હમારા શિવાય. પુરુષ સ્ત્રીને માણે છે બોલનાર અજ્ઞાની કે જૂઠડો ​છે. સ્ત્રી પુરુષને નચાવે છે ને એ નાચ નિરખી નિરખી રાચે છે એ શું જગત નથી જાણતું ? નાચતો નાચતો મોર ઢેલના પગમાં પડે છે એ સમર્પણ નહિ કાં ? પુરુષનાં સમર્પણ શાં ઓછાં છે જે ? અમારૂં સર્વસ્વ ત્‍હમને સમર્પીએ છીએ એ ખરૂં. ત્‍હમે ત્‍હ્મારૂં સર્વસ્વ અમને સમર્પતા નથી શું ? આયુષ્યનાં માખણ ઉતારી ઉતારીને તો ભાગો છો અમારી ભૂખ.. પરસેવામાં પ્રાણ નિતારો છો. કિયા કોડ અણપૂર્યા રાખ્યા અમારા ? પડળ પડ્યાં હશે કો રૂપગર્વિલીને રૂપનાં, તે પેખતી નહિ હોય પુરુષોનાં સમર્પણ. વસાવોને ઘડીક જૂદાં ગામ એવી રૂપગર્વિલીઓનાં કે વરનાં મૂલ સ્‍હમજે. એક હોય પુરુષશૂન્ય સ્ત્રીનગરી. યક્ષને યક્ષેશ્વરે- ત્‍હમે પેલી કાલિદાસની અલકાની વાત કહેતા હતા ને એમ -યક્ષને યક્ષેશ્વરે કીધી'તી વર્ષભરના પત્ની વિયોગની સજા : એમ પુરુષદ્રોહી સ્ત્રીઓને પુરુષશૂન્ય સ્ત્રીનગરીમાં વર્ષભર રહેવાની સજા ફરમાવો. પછી જૂવો મઝા એ રૂપગર્વિલીઓની તાલાવેલીની. એમનાં રૂપને ત્ય્હાં જોશે યે કોણ ? તરત સ્‍હમજાય પુરુષનાં મૂલ. જાવ, જાવ : દુનિયાં નાટક ભજવે છે -નાટક. અન્તર ઉઘાડીને વાત કોક જ કરે છે.-ને જગત કને થાયે કય્હાંથી ? અંહી નિજમન્દિરમાં બોલું છું એવું જગતમાં કંઈ બોલાય ? સારનો સાર એ : હું તો આ અજવાળાં જેવાં પેખું છું મુજ કાજેનાં મ્હારા નાથનાં સમર્પણ.

⁠નાથે કહ્યું : તું યે હૈયાં ઠાલવ છ ને હું યે પ્રાણ પાથરૂં છું : એ સૌ આપણે આપણાંને કાજે. આપણો દિવસ ઉગે છે હો ! જો ! ત્‍હારાં દર્શને સૂર્યનારાયણ પધાર્યા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...