મુખ્ય સામગ્રી પર જાઓ

૧૭ પુરુષોત્તમ માસ

[આ વાર્તા કહેવાનો લહેકો તદ્દન જુદો પડી જાય છે. આરોહ — અવરોહ પલટી જાય છે.]


ગોર ને ગોરાણી હતાં. પુરુષોત્તમ માસ આવ્યો.


ગોર ગોર, અમને પુરુષોત્તમ માસ નવરાવો. પુરુષોત્તમ માસ કેમ નવાય?


સવારના પો’રમાં વે’લું ઊઠવું : ગંગા જમના નદી કહાવે છે એમાં નાવું : નાઈ કારવીને કાંઠા ગોર્યની પૂજા કરવી : એક ટાણું ભોજન કરવું : ભોંય પથારી કરવી : પીપળાની પૂજા કરવી : તુળસીની પૂજા કરવી : દીવાનાં દર્શન કરવાં.


ગોર–ગોરાણી તો નત્ય ઊઠીને ના’ય છે. કાંઠા ગોર્યની પૂજા કરે છે, પીપળાની પૂજા કરે છે. દીવાનાં દર્શન કરે છે. એક ટાણું આહાર કરે છે. ભોંય પથારી કરે છે.


સાત કોટડીએ માયા હતી. બધી વાતે સુખ હતું. પણ ગોરાણીને પેટ જણ્યું નહોતું.


ગોરાણીએ તો નિસાસો નાખીને કહ્યું કે ‘ઘેર નાની વહુ હોય તો કેવું સારું! નિરાંતે નાઈએ ધોઈએ.’


‘અરે ગોરાણી, ગાંડાં થયાં? દીકરા વિનાની તે વહુ ક્યાંથી આવે?’


‘આવે તોય લાવો ને ન આવે તોય લાવો. લાવો ને લાવો!’


‘ઠીક ત્યારે, ઢેબરાં કરી નાખો.’


ગોરાણીએ તો ઢેબરાં કરીને ભાતું બંધાવ્યું છે. ગોરે તો સોનામહોરનો ખડિયો ભર્યો છે. હાથમાં પોથી લીધી છે. લઈને ગોર તો દીકરાની વહુ ગોતવા નીકળ્યા છે.


એક ગામ મેલ્યું. બીજું ગામ મેલ્યું. ત્રીજા ગામને પાદર જાય ત્યાં તો તેવતેવડી છોકરીઓને ઘોલકી ઘોલકી રમતી ભાળી છે. એમાં એક છોકરી બોલી છે : ‘બાપુ! મારી ઘોલકી કોઈ બગાડશો મા; મેં કોઈનું નથી બગાડ્યું.’


આવી વાણી સાંભળીને તો ગોરના મનમાં થયું છે કે છોકરી કેવી ગુણિયલ લાગે છે! ગોર તો એને પૂછે છે : ‘બેટા, તું કોની દીકરી છો?’


‘હું ફલાણા પંડ્યાની દીકરી. ચાલો મારે ઘરે. મારા બાપા બહાર ગયા છે.’


છોકરી તો ગોરને ઘેર તેડી ગઈ છે. દાતણ ને પાણી દીધાં છે; નાવણની કૂંડી દીધી છે. એણે તો કાંઈ મહેમાનગતી માંડી છે!


છોકરીના બાપા ઘેર આવ્યા છે. મહેમાનને તો હેતેપ્રીતે હળ્યામળ્યા છે. આવવાનું કારણ પૂછ્યું છે.


ગોર કહે : ‘મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. એને સારુ કન્યા જોવા નીકળ્યો છું. તમારી કન્યા મારે હૈયે વસી ગઈ છે.’


કન્યાના તો ત્યાં બોલ બોલાણા છે ને ચાંદલા થયા છે.


ગોર કહે, ‘હવે વિવા પણ સાથોસાથ કરી નાખવો છે. અમારું ગઢપણ છે. કાયાના કાંઈ ભરોસા નથી. અમારે તો પુરુષોત્તમ માસ નાહવો છે.’


‘અરે વેવાઈરાજ! વર વિના કન્યા કોની સાથે ફેરા ફરે?’


‘ત્રણ ફેરા આ પોથી સાથે ફરે. ને ચોથો ફેરો દીકરો કાશીએથી ભણીને આવશે ત્યારે ફેરવી લેશું.’


ચાર કળશાની ચોરી ચીતરી છે. આલાલીલા વાંસ વઢાવ્યા છે. એમ કરી ત્રણ ફેરા પોથી સાથે ફેરવ્યા છે. ગોર તો વહુને તેડી ચાલી નીકળ્યા છે. ઘેર આવે ત્યાં વહુનાં રૂપ ને ગુણ દેખીને સાસુ તો ગાંડાં ગાંડાં થઈ ગયાં છે.


ગામ આખામાં તો વાતો થઈ રહી છે કે ‘જો તો બાઈ! દીકરા વિનાની વહુ આવી! વાંઝિયાંને ઘેર વહુ આવી! કાંઈ લખમી જેવી વહુ આવી!’


વહુને તો વાસીદું વાળવા દેવાય નહિ, એટલે રોજ સવારે સાસુ વે’લાં વે’લાં ઊઠીને વાસીદું વાળી નાખે છે. પછી સાસુ–સસરો નિરાંતે પુરુષોત્તમ માસ ના’વા ચાલ્યાં જાય છે. પાછાં આવે ત્યાં તો વહુ લખમી ભોજન રાંધીને સાસુ–સસરાને જમાડે છે.


મારા સ્વામીનાથ કાશીએથી ક્યારે ભણીને આવે! ક્યારે ભણીને આવે! એવી વાટ જોતી વહુને તો ક્યાંય આનંદ માતો નથી.


એક દી તો સાસુ મોડાં ઊઠ્યાં છે. ઝટપટ ના’વા ચાલ્યાં જાય છે. વાંસેથી વહુએ તો વાસીદું વાળ્યું છે. વાળીને તો ઉકરડે નાખવા જાય છે.


સૂંડલો ઠલવીને વહુ પાછી વળે ત્યાં તો પાડોશણ બાઈઓ વાતો કરે છે : ‘જોયું બાઈયું! દીકરા વિનાની વહુ કેવું ઘરનું કામ કરે છે! ઓહોહો! વાંઝિયાંને ઘેર કાંઈ વહુ આવી! કાંઈ વહુ આવી!’


પાડોશણો તો સામસામી તાળીઓ દઈને હસે છે. સાંભળીને વહુ તો થંભી ગઈ છે. પૂછે છે : ‘બાઈયું બેન્યું, આમ કેમ બોલો છો? મારા સ્વામીનાથ તો કાશીએ ભણવા ગયા છે ને!’


‘અરેરે બાઈ, સ્વામીનાથ કેવા, ને કેવી કાશી! એ તો વાંઝિયાં મૂવાં છે. એ તો તને ભોળવીને લાવ્યાં છે!’


વહુનો તો આનંદ ઊડી ગયો છે. રાંધવા બેઠી ત્યાં દાળ દુણાઈ ગઈ છે, ચોખા કાચા રહી ગયા છે, શાક દાઝી ગયું છે, રોટલી બળી ગઈ છે. દાઝ્યું-દવજ્યું રાંધ્યું છે. સાસુ સસરો ના’ઈને આવ્યાં પણ વહુએ તો પોતિયાંયે લીધાં નથી. કળશાયે ભરી દીધાં નથી. પાટલાયે નાખ્યા નથી ને ભાણાંયે પીરસ્યાં નથી.


ઘેર આવીને ગોર-ગોરાણી જમવા બેસે ત્યાં તો રાંધણું બગડેલું જોયું. વહુના મોઢા ઉપર તો મશ ઢળેલી ભાળી.


‘અરે વહુ દીકરા! આજ અણોસરાં શેણે છો?’


‘આજ તો, બાઈજી, હું વાસીદું નાખવા ગઈ’તી. ત્યાં પાડોશણ્યું હસતી’તી. મેં પૂછ્યું કે કેમ હસો છો? તો કહે કે તારાં સાસુ–સસરાને તો દીકરો જ નથી.’


‘સારું બાપા! જે કહેનાર હશે તેને નહિ હોય. મારો પુરુષોત્તમ દીકરો તો કાશીએ ભણવા ગયો છે.’


સાસુ–સસરાએ તો વહુને રીઝવવા સાત ભંડારની કૂંચીઓ સોંપી છે. ‘લ્યો વહુ દીકરા! છ ભંડારા ઉઘાડજો; પણ એક સાતમો ભંડારો ઉઘાડશો મા!’


પહેલો ઓરડો ઉઘાડ્યો છે ત્યાં તો અન્ન-વસતર દીઠાં છે.


બીજા ઓરડામાં વાસણ-કૂસણ દીઠાં છે.


ત્રીજામાં સોનાં-રૂપાં દીઠાં છે.


ચોથામાં હીરા-મોતી દીઠાં છે.


પાંચમામાં નીલમ-માણેક દીઠાં છે.


છઠ્ઠામાં પોખરાજ ને પરવાળાં દીઠાં છે.


પણ સાતમો ઓરડો ઉઘાડવાની તો સાસુએ ના પાડી છે. એવું તે એમાં શું હશે? વહુનું મન તો વાર્યું રહેતું નથી. સાતમો ઓરડો ઉઘાડે ત્યાં તો આ હા હા હા! આ કોણ?


પીળાં પીતાંબર પહેર્યાં છે,

લાલ ચાખડીએ ચડ્યા છે.

મોર મુગટ ને છત્તર ધર્યાં છે,

હાથમાં પુસ્તક ને પાનાં છે.

કંચનવરણી તો કાયા છે,

ડાબે ખંભે જનોઈ પડી છે.

કપાળે ચંદનની આડ્ય કરેલી છે,

ઘીના દીવાની જ્યોતો બળે છે.


બાઈ તો ઘૂમટો કાઢીને ઊભી રહી ગઈ છે. એના મોંમાંથી તો વાચા ફૂટતી નથી.


પાટલે બેઠેલો પુરુષ બોલે છે કે ‘હે સતી! તમે આંહીં શું કામે આવ્યાં? શા માટે આ ઓરડો ઉઘાડ્યો? બીડી દો, ઝટ બીડી દો, ઝટ બીડી દો, મારાં માબાપનાં વ્રત ભાંગશે. બહાર પધારો. માબાપ આવશે અને આપણને લજ્જા લાગશે.’


બાઈ તો પૂછે છે કે ‘હવે કે’દી બહાર નીકળશો? બા–બાપાએ કપટ કરીને મને શીદને કહ્યું કે તમે કાશીએ ગયા છો? બોલો, હવે કે’દી બહાર નીકળશો?’


‘જાઓ સતી! હવનને ટાણે હું બહાર નીકળીશ.’


બાઈએ તો ઊજમે ઊજમે સાત ભંડારા વાસી દીધા છે. ફૂલ ફૂલ જેવું રાંધ્યું છે.


ત્યાં તો સાસુ–સસરો ઘેર આવ્યાં છે. દોડીને બાઈએ તો પોતિયાં લીધાં છે. કળશા ભરી દીધા છે. પાટલા ઢાળી દીધા છે. ભાણાં પીરસી દીધાં છે ને રૂડી રીતે જમાડ્યાં–જુઠાડ્યાં છે.


વહુને તો હરખાળી ભાળીને સાસુ સમજ્યાં કે સાત ભંડારની કૂંચીઓ દીધાંથી વહુ રિઝ્યાં છે.


એમ કરતાં કરતાં તો અમાસ આડા ચાર દી રહ્યા છે.


વહુ કહે છે કે ‘બાઈજી, બાઈજી, જગન આદરો.’


બાઈજી કહે, ‘સારુ બાપુ, તમારી મરજી! તમારે કરવું છે ને તમારે વાવરવું છે. ભંડારની કૂંચિયું તો તમારી જ પાસે છે.’


વહુએ તો દળાવ્યું છે, ભરડાવ્યું છે, ને તૈયાર ટપકે રાંધ્યું છે.


અમાસનો દિવસ આવ્યો છે. વહુને સાસુએ ગામમાં નોતરાં દેવા મોકલ્યાં છે. પણ કોઈએ એનાં નોતરાં ઝીલ્યાં નથી. ગામના લોકો વાંઝિયાંનાં ઘરનું ખાવાની ના પાડે છે.


વહુ તો ઘેર આવી છે. બાઈજીને વાત કરી છે. બાઈજી કહે, ‘ઠીક ત્યારે, પીપળાને નોતરાં દઈ આવો.’ વહુ તો સંધાય પીપળાને નોતરાં દઈ આવી છે. એકેય પીપળાને ભૂલી નથી. બધા પીપળાએ એનાં નોતરાં ઝીલ્યાં છે.


સાંજ પડી છે. પીપળાએ તો બામણના વેશ લીધા છે. ડોસીને ઘેર જમવા નીકળ્યા છે. પીળાં પીતાંબર પહેર્યાં છે. હાથમાં લોટા લીધા છે ને સૌ પીપળા મંડપમાં આવ્યા છે.


મંડપમાં તો મનખો માતો નથી. હોમ હવન થાય છે. વેદના મંતર બોલાય છે. આખું ગામ હસે છે કે ‘આ વાંઝિયાં વરણીમાં દીકરો ક્યાંથી કાઢશે?’


કોઈ કહે, ‘મને ખોળે લેશે!’ કોઈ કહે કે ‘ના, ઈ તો મને ખોળે લેશે!’


એમ કરતાં તો વખત ભરાઈ ગયો છે. વહુ–દીકરાને પધરાવવાનો સમય થયો છે.


ડોસી ને ડોસો તો ઘરમાં સંતાઈ ગયાં છે. કાન આડાં પૂંભડાં દીધાં છે, ગળાટૂંપો ખાવાની તૈયારી કરે છે.


ત્યાં તો વહુ આવી છે કે ‘કાં બાઈજી, આ શું કરો છો? તમારા દીકરાને બોલાવો ને!’


સાસુની આંખમાં તો આંસુડાં હાલ્યાં જાય છે. કહે છે કે ‘અરેરે બેટા, કોને બોલાવું?’


વહુ કહે કે ‘નામ લઈને બોલાવો ને!’


‘અરેરે બાપા, કોનું નામ ને કોનું ઠામ?’


‘જેનો મહિનો નાવ છો એનું નામ લઈને બોલાવો.’


બાઈજી તો રોતાં રોતાં બોલ્યાં છે કે ‘બેટા પુરુષોત્તમ!’


ત્યાં તો બારણાં ભડભડવા માંડ્યાં છે.


બાઈજી ફરી વાર બોલ્યાં છે કે ‘બેટા પુરુષોત્તમ!’


ત્યાં તો ભોગળ ભાંગી ગઈ છે. ‘ચટાક! ચટાક!’ ચાખડી બોલી છે. અને —


પીળાં પીતાંબર પેર્યાં છે,

લાલ ચાખડીએ ચડ્યા છે,

માથે મોર મુગટ ને છત્તર ધર્યાં છે,

લલાટમાં કેસર ચંદણની આડ્ય છે.

મરક! મરક! હસે છે.


એવા પુરુષોત્તમજી ચટકતી ચાલે આવીને મંડપમાં આવ્યા છે. બધાં ગીત ગાવા મંડ્યાં છે.


ત્યાં તો શણગાર સજીને વહુ પણ આવ્યાં છે. છેડાછેડી બંધાણી છે. ચોથો ફેરો ફરી રહ્યાં છે. ગામની બાઈડીઓ ગાય છે.


હે પુરુષોત્તમ મા’રાજ, જેવી આની લાજ રાખી એવી સહુની રાખજો!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...