મુખ્ય સામગ્રી પર જાઓ

૮ વીરપસલી (વાત પહેલી)

કણબીની એક ડોશી હતી. ડોશીને દીકરો અને દીકરી હતાં. દીકરી તો સાસરે ગઈ છે ને દીકરો માની આગળ છે.

શ્રાવણ માસ આવ્યો છે. અંજવાળિયો આતવાર આવ્યો છે. વીરપસલી આવી છે.

ડોશી તો દીકરાને કહે છે કે “ભાઈ ભાઈ! તું બેનની વીરપસલી લઈને જા.”

ભાઈ તો વીરપસલી લઈને બેનને ઘેર જાય છે, રસ્તે મોટો એરુ મળ્યો છે.

એરુ કહે, “હું તને કરડું ને કરડું.”

“ના ભાઈ, આજ તું મને કરડીશ મા. મારી બેનને આજ વીરપસલી છે, તે બેન બિચારી વાટ જોઈને બેસી રહેશે. કાલ પાછો આવું ત્યારે કરડજે.”

એરુ કહે, “કાલ તું પાછો આ રસ્તે નીકળે જ શેનો? બીજે જ રસ્તે નીકળ તો?”

“નીકળ્યા વગર રહું જ નહિ. ને તને મારો વિશ્વાસ ન પડે તો લે હું આ ખડનો પૂળો વાઢી લઉં, એમાં તું બેસી જા. કાલ પડે એટલે તું મને કરડી ખાજે.”

ભાઈએ તો ખડનો પૂળો વાઢ્યો છે. એરુને પૂળામાં બેસાડી દીધો છે. બેસાડીને પૂળો તો ખંભે નાખી લીધો છે. બેનને ઘેર જતાં તો બહુ મોડું થયું છે. બેન તો બિચારી વાટ જોઈ જોઈને થાકી ગઈ છે. થાકીને બેન તો રેંટિયો કાંતવા બેસી ગઈ છે.

કાંતતાં કાંતતાં વિચાર કરે છે : અરે રે, ભાઈ કેમ ન આવ્યો! હજીય ભાઈ કેમ ન આવ્યો!

ત્યાં તો ભાઈએ બારણું ઉઘાડ્યું છે.

ભાઈને દીઠો ત્યાં તો કાંતતાં બેનનો ત્રાગડો તૂટી જાય છે.

બેનને તો ફાળ પડી કે મારો ભાઈ આવ્યો ને ત્રાગડો કેમ તૂટી ગયો! ત્રાગડો સાંધીને ઊઠું તો ભાઈની આવરદા સંધાય.

ભાઈને તો ખોટું લાગ્યું છે. અરેરે, હું આવ્યો છું; કાલ તો મરી જવાનો છું, તો ય મારી બેન તો હજી ઊઠતી યે નથી.

બેન તો ત્રાગડો સાંધીને ઊઠી છે. ઊઠીને ભાઈનાં ઓવારણાં લીધાં છે. વીરપસલીનો દોરો ઊજવ્યો છે. ભાઈને જમાડવા લાપસી કરે છે.

ખારણિયામાં સોપારી નાખી, સાંબેલાના ચાર આંટા ફેરવી, સોપારી ભાંગતી બેન બોલે છે, કે

શિરછત નવખંડ ધરતીમાં
મારા ભાઈનું જે ભૂંડું વાંછે
એના સા…ત કટકા થઈ જજો!

આટલું બોલ્યા ભેળો તો, છાપરે ભાઈએ ખડનો પૂળો મેલ્યો’તો તેમાં એરુના સાત કટકા થઈ ગયા છે.

રાત પડી છે ભાઈ કહે કે “બેન, હું કાલે જઈશ ને જઈશ.”

બેન કહે, “ના ભાઈ, નહિ જ જવા દઉં.”

પણ ભાઈને તો થયું છે કે બેનને આંગણે જો એરુ કરડે ને હું મરી જાઉં તો બેન બિચારી રોઈ રોઈને મરે. એનાથી મારું મૉત શે’ જોવાય! માટે હું તો માર્ગે જ જઈને મરું.

બેન તો ઘણી ઘણી તાણ કરે છે. પણ ભાઈ કેમે ય કરી માનતો જ નથી.

રસ્તે મારા ભાઈને ભાતું જોશે! એમ સમજીને બેને તો ઘઉંના લોટના ખાખરા કર્યા. કરીને ખારણીએ ખાંડવા બેઠી. ચૂરમુ ખાંડી, ઘી ગોળ ભેળવી, જ્યાં લાડવા વાળવા બેસે છે, ત્યાં સાતે ય સાપના કટકા એ’કેક લાડવામાં એ’કેક ગરી જાય છે.

સવાર પડ્યું છે. સાતેય લાડવા બેને ભાઈને ભાતામાં બંધાવ્યા છે. ભાઈ કહે, ‘આ લે, એક લાડવો પાછો. ભાંકો ને ભાંકી ઊઠે ત્યારે ભાંગીને બેયને ફાડિયું ફાડિયું દેજે.’

ભાઈ તો હાલી નીકળ્યો છે. વાંસેથી ભાંકો–ભાંકી તો ઊઠ્યાં છે. રાડો પાડવા માંડ્યાં છે કે મામો ક્યાં ગયા? મામો ક્યાં ગયા?

મા કહે, “મામો તો એને ગામ ચાલ્યા ગયા. પણ લ્યો, આ લાડવો; મામા આપી ગયા છે. વહેંચીને ખાઓ.”

લાડવો છોકરાંના હાથમાં દીધો છે. ભાંગે ત્યાં તો માલીપાથી એરુનો કટકો નીકળ્યો. બેનને તો હાયકારો થઈ ગયો છે.

હાય હાય! મારો ભાઈ લાડવા ખાશે તો શું થાશે?

એણે તો છોકરાંને રોતાં મેલ્યાં છે. લાડવાના કટકા હાથમાં લઈને ભાઈની વાંસે દોડે છે. દોડતી જાય છે ને બોલતી જાય છે, કે —

“મારા ભાઈને ખમા કરજો! મારા ભાઈને ખમા કરજો!”

ભાઈ તો વાટે ચાલ્યો જાય છે. એના મનમાં તો થાય છે કે ક્યાંઈક તળાવડી દેખું તો ટીમણ કરવા બેસું. પણ એનાથી બહુ આગળ ચલાતું નથી. બેને તાગડો સાંધીને ભાઈની આવરદા સાધી’તી ખરી ને, તે ભાઈને તો રસ્તામાં ચારેય દશ્યે તાગડા તાગડા દેખાય છે, મારગ સૂઝતો નથી. ભાઈ આગળ હાલી શકતો નથી. બેનને અને ભાઈને તો છેટું ભાંગતું જાય છે. બેન તો ધા દેતી દોડી આવે છે.

એમ કરતાં એક નાની તળાવડી આવી છે. ભાઈ તો ભાતું ખાવા બેસે છે. બેસીને પોટલી છોડવા જાય છે, ત્યાં તો “ભાઈ! છોડીશ મા! છોડીશ મા!”

એમ ચીસેચીસ નાખતી બેન જઈ પહોંચી છે. જઈને લાડવા ભાંગ્યાં છે. ત્યાં તો છયે લાડવામાંથી એરુના છ કટકા નીકળ્યા છે.

બેને પૂછ્યું કે “હેં ભાઈ, આ કૌતક શું?” ભાઈએ તો એરુની વાત કરી છે. બેનને તો વાત સમજાણી છે કે વીરપસલી માને પ્રતાપે એરુના સાત કટકા થઈ ગયા છે. બેને તો ખાડો ગાળ્યો છે, લાડવા ભોંયમાં ભંડાર્યા છે. ભાઈને પાછો ઘેર તેડી જાય છે. જમાડે છે ને જુઠાડે છે.

વીરપસલી મા એને ત્રુઠમાન થયાં એવાં સહુને થાજો!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...